આગામી 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ત્રણ બ્લોકમાં વિશાળ એસી જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અંદાજે 3,000 જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા સાથેના ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. A, B અને C એમ ત્રણ બ્લોકમાં આખો ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં 64 વર્ષે આગામી 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ગાંધીજીના કોંગ્રેસ પ્રમુખ બનવાને 100 વર્ષ અને સરદારના 150માં જન્મજયંતિ વર્ષને લઈ અમદાવાદમાં યોજાનારા આ અધિવેશનમાં મુખ્ય બે ઈવેન્ટ રહેશે. 8 એપ્રિલે સવારે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી)ની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સવારે રિવરફ્રન્ટના તટે આવેલા ઈવેન્ટ સેન્ટરે અધિવેશન થશે.
8 એપ્રિલે 11 વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્મારકમાં આવેલા ગ્રાઉન્ડમાં વિશિષ્ટ પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ડોમમાં CWCની બેઠક મળશે. CWCની બેઠક પહેલાં સભ્યો સરદાર પટેલ સ્મારક બહાર એક ગ્રુપ ફોટો પડાવશે. આ ગ્રુપ ફોટો બાદ સ્મારકમાં આવેલા હોલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં CWCની બેઠક યોજાશે. ત્યાર બાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા પણ યોજાશે.
8 એપ્રિલે સરદાર સ્મારક ખાતે CWC(કોંગ્રેસ વર્કિંગ કમિટી)ની બેઠક 11 વાગ્યથી 3 વાગ્યા દરમિયાન યોજાશે. CWC બાદ તમામ નેતા પોત પોતાની હોટલે જશે અને ત્યાં લંચ લેશે. જ્યારે સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે યોજાનારી પ્રાર્થનાસભામાં તમામ નેતા એક સાથે બસમાં જશે. ત્યાર બાદ સાંજે રિવરફ્રન્ટ પર 7.45 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મલ્લિકા સારાભાઈનું ગ્રુપ વિવિધ સંસ્કૃતિની ઝાંખી કરાવશે.
ત્યાર બાદ 9 એપ્રિલે સાબરમતીના તટે અધિવેશન યોજાશે. જેમાં 3000 કોંગી નેતાઓ ઉપસ્થિત રહેશે. જોકે કોંગ્રેસે અધિવેશન માટે મહાત્મા મંદિરની જગ્યા માગી હતી. પરંતુ સરકારે કોઈ જવાબ આપ્યો નહોતો.આ અધિવેશન દરમિયાન બપોરે VVIP માટે તૈયાર કરાયેલા ગ્રીનરૂમમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે.