ગાંધીનગરના સેક્ટર – 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગ લાગી હતી. ફાયર બ્રિગેડને આ અંગેનો કોલ મળતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન એકાએક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે ચાર ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી.
આ અંગે ફાયર બ્રિગેડનાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું કે, DPમાં આગ લાગી હોવાનો કોલ પ્રદીપે કર્યો ગયો હતો. જેથી અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. અમારી ટીમના માણસો ફાયર ટેન્કરમાં પાઈપ લગાવવાની કામગીરી કરી હતી. અને અન્ય જવાનો શૌચાલય તરફ ગયા હતા. એવામાં અચાનક ઝૂંપડામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. જેમાં ફાયર કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ , રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે દાઝેલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મહાવીરસિંહ, રણજીત અને વિપુલ 75 ટકા જેટલું શરીરે દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ હાથના ભાગે દાઝી ગયા હોવાથી સિવિલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં સુલભ શૌચાલયનું સંચાલન કરતા હેમંત ઝૂંપડામાં હતા નહીં. દીવો કરવાથી કે શોટ સર્કિટ થવાથી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે.