પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ચોક્સીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી. ચોક્સીની ધરપકડ કરતી વખતે પોલીસે બે ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો. આ મુંબઈની એક કોર્ટે જાહેર કર્યા હતા. જે તારીખ 23 મે, 2018 અને 15 જૂન, 2021 હતા. એવું માનવામાં આવે છે કે ચોક્સી પોતાની ખરાબ તબિયત અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે. હાલમાં તે જેલમાં છે.
અહેવાલો અનુસાર, ભારતે બેલ્જિયમથી ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોક્સી પર 13,850 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. ગયા મહિને એવું બહાર આવ્યું હતું કે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છુપાયેલો છે. ત્યાંના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ચોક્સીની દેશમાં હાજરી વિશે માહિતી આપી હતી.
ચોકસીએ 15 નવેમ્બર, 2023ના રોજ બેલ્જિયન ‘એફ રેસીડેન્સી કાર્ડ’ મેળવ્યું હતું, એવું કહેવાય છે કે તેણે તેની પત્ની જે બેલ્જિયન નાગરિક છે, તેની મદદથી બેલ્જિયન ‘એફ રેસીડેન્સી કાર્ડ’ મેળવ્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોક્સીએ બેલ્જિયમના અધિકારીઓને નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને પોતાની નાગરિકતા અંગેના તથ્યો છુપાવ્યા હતા. તેમણે પોતાની ભારતીય નાગરિકતાની વિગતો પણ જાહેર કરી ન હતી.2018માં ભારત છોડતા પહેલા ચોકસીએ 2017માં જ એન્ટિગુઆ-બાર્બુડાની નાગરિકતા લીધી હતી. ચોક્સીએ વારંવાર ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને ભારતમાં હાજર થવાનો ઇનકાર કર્યો છે. ક્યારેક તે ફક્ત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જ હાજર થતો. ભારતમાં તેમની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.