મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ઈકો વાન એક બાઇક સાથે અથડાઈ અને કૂવામાં પડી ગઈ. આ અકસ્માતમાં બાઇક સવાર સહિત 12 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં ગામના મનોહર સિંહનો પણ સમાવેશ થાય છે, જે કાર સવારોને બચાવવા માટે કૂવામાં ઉતર્યો હતો. કૂવામાંથી મૃતદેહો કાઢવા માટે SDERF ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ટીમ દોરડાની મદદથી કૂવામાં ઉતરી ગઈ છે. ક્રેનની મદદથી વાનને બહાર કાઢવામાં આવી છે.
ત્રણ વર્ષની બાળકી સહિત ચાર ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાઇક સવારની ઓળખ ગોબર સિંહ તરીકે થઈ છે, જે અબાખેડીનો રહેવાસી છે. આ અકસ્માત રવિવારે બપોરે લગભગ 1:15 વાગ્યે જિલ્લાના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બુઢા-ટકરાવત પુલ પર થયો હતો. વાનમાં 12થી વધુ લોકો સવાર હતા, જેઓ ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલથી નીમુચ જિલ્લાના માનસા વિસ્તારમાં અંતરી માતા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા.