અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. આ મામલે આજે સુનાવણી શરૂ થઈ છે. હાલ પોલીસ દ્વારા મીડિયાને કોર્ટ રૂમમાં જતાં અટકાવવામાં આવ્યા છે.
શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો.