ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં સોમનાથ મહાદેવ મંદિરના 75માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ પાલખીયાત્રામાં કથાકાર રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેકટર જાડેજા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
જુના સોમનાથ મંદિરથી શરૂ થયેલી આ પાલખીયાત્રા પ્રભાસ પાટણ નગરપાલિકા વિસ્તારમાં ફરી હતી. હજારોની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પાલખીયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલખીયાત્રામાં ઉજ્જૈનથી એવલા ડમરુવાદક સમૂહ અને નાસિક ઢોલની પ્રસ્તુતિએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ભષ્મ રામૈયા મંડળ દ્વારા અદભુત ડમરુ વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
પાલખીયાત્રા દરમિયાન પ્રભાસ નગરમાં ઠેર-ઠેર રંગોળીઓ અને શણગાર કરવામાં આવ્યા. ભુદેવો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને યાત્રામાં જોડાયા હતા. રુદ્રાભિષેક, વેદમંત્રોચ્ચાર અને શિવસ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું. રામરાખ ચોક ખાતે પાલખીયાત્રાની આરતી ઉતારવામાં આવી હતી.