સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયરબ્રિગેડ અને અન્ય લોકોએ મળી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 જેટલા દર્દીઓને બહાર કાઢી લીધા હતા. 10થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કઈ રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી.
સુરત ફાયર બ્રિગેડના ફાયર અધિકારી મોઢે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુમાં આગ લાગી હોવાનું જણાઈ આવે છે. અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ધુમાડો ખૂબજ હતો જેથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ જ તકલીફ પડી હતી જો કે, ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પૂરતી ફાયર સેફ્ટી હતી કે નહીં તેની હવે તપાસ કરીશું.





