ભારત-પાકિસ્તાન યુદ્ધને પગલે ગુજરાતના 18 જિલ્લાઓ હાઇએલર્ટ પર છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ગઈ કાલે કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે, જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોલાવી લેવાઇ છે, અને અનિશ્ચિતકાળ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારની રાત્રે ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત મોટા ભાગના કચ્છમાં બ્લેકઆઉટ રહ્યો. જ્યારે બનાસકાંઠાના સુઈગામ અને વાવના 24 ગામ તથા પાટણનાં સાંતલપુરના 8 ગામમાં અંધારપટ રહ્યો. પવન પણ ના હોવાથી લોકોએ ગરમી અને ભયમાં રાત વીતાવી.
સાવચેતીના ભાગરૂપે સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકાના દરિયા પર સેનાએ મોરચો સંભાળ્યો છે, તો સોમનાથમાં પણ બોમ્બ સ્ક્વોડ તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાઈ છે.
સુરતનું હજીરા પોર્ટ હાઇએલર્ટ પર છે. અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત કરી દેવાઇ છે. મરિન પોલીસે દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે. આ તરફ અઠવામાં વોરરૂમ શરૂ કરાયો છે અને સિવિલ હોસ્પિટમાં 3 મહિનાનો દવાનો સ્ટોક રાખવામાં આવ્યો છે.
સરકાર સતર્ક, મધરાતે અધિકારીઓ સાથે મીટિંગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મધરાતે ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર પર પહોંચ્યાં. જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. અહીંથી તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વાત કરી સૂચના આપી હતી. વધુમાં અમદાવાદ એરપોર્ટ પર પણ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેસાથે ભુજ, કંડલા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કેશોદ સહિત સાત એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યાં છે