મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હજુ શાંત થયો નથી. ત્યાં હવે રાજ્યના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય હલચલ મચી છે. જબલપુરમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોના તાલીમ કાર્યક્રમને સંબોધતા દેવરાએ કહ્યું, “આખો દેશ, દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે.”
દેવદાએ ભાવુક અંદાજમાં કહ્યું કે, મનમાં ઘણો ગુસ્સો હતો કે ત્યાં ગયેલા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને એક એકને વીણીવીણીને મારી નાખવામાં આવ્યા હતા. મહિલાઓને બાજુ પર ઉભી રાખવામાં આવી હતી અને તેમની સામે ગોળી મારી દેવામાં આવી હતી. બાળકોની સામે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તે દિવસથી આખા દેશમાં ઉગ્રતા હતી કે જેમણે માતાઓના સિંદૂર ભૂંસ્યા હતા તેનો બદલો લેવામાં નહીં આવે, આ આંતકીઓને લોકોને મારી નાખવામાં નહીં આવે ત્યાં સુધી આપણે શાંતિથી શ્વાસ લઈ શકીશું નહીં.”
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, ” યશસ્વી પ્રધાનમંત્રીને આપણે ધન્યવાદ આપીએ. આખો દેશ, દેશની સેના, સૈનિકો તેમના ચરણોમાં નમન કરે છે. તેમણે જે જવાબી કાર્યવાહી કરી તેની પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી છે.દેવડાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા બદલ PM મોદીની પ્રશંસા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું, પરંતુ વિપક્ષે તેને સેનાનું અપમાન ગણાવીને આકરી ટીકા શરૂ કરી દીધી છે.
કોંગ્રેસે ‘X’ પર લખ્યું, “દેશની સેના અને સૈનિકો વડા પ્રધાન મોદીના ચરણોમાં નમન કરે છે.” આ વાત મધ્યપ્રદેશની ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ કહી હતી. જગદીશ દેવડાનું આ નિવેદન ખૂબ જ હલકી કક્ષાનું અને શરમજનક છે. આ સેનાની બહાદુરી અને હિંમતનું અપમાન છે. આજે જ્યારે આખો દેશ સેનાને વંદન કરી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ આપણી બહાદુર સેના વિશે પોતાના ખરાબ વિચારો વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ અને જગદીશ દેવડાએ માફી માંગવી જોઈએ. તેમને પદ પરથી બરતરફ કરવા જોઈએ.