અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે પરંતુ, હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોય મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં શુક્રવારે મોડી રાત સુધીમાં 224 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે બાદ આજે વહેલી સવારે વધુ 6 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. જેઓ સવારે 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા સિવિલ પહોંચશેશુક્રવારે દિવસભર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે રાત પડતા જ એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે પણ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
સિવિલમાં બેઠકોનો દોર યથાવત્
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ બેઠકોનો દોર યથાવત્ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ અને CMO, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં DNA રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવા અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે
અફવાઓ પર ધ્યાન ન આપવા જુનિયર ડોક્ટર એસોશિએશનની અપિલ
JDA દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હોસ્ટેલમાં MBBS વિદ્યાર્થીઓના મોતના બનાવોનો ઉલ્લેખ છે. હાલમાં 20 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. વધુમાં, સુપર સ્પેશિયાલિટી વિભાગમાં એક રેસિડેન્ટ ડોક્ટરના પત્ની પણ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. JDA દ્વારા સોશિયલ મીડિયા પર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરોના મૃત્યુદર અંગે ફેલાવાઈ રહેલા ઊંચા આંકડાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.