ઉત્તર ભારતના પહાડી રાજયોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને જનજીવન ખોરવી નાખ્યું છે. જેમાં
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન
વિભાગે હિમાચલ પ્રદેશના 4 જિલ્લાઓ અને ઉત્તરાખંડના 4 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
જ્યારે હાલ અનેક જગ્યાએ વરસાદ અને ભૂસ્ખલનને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો
છે અને ઘણા લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા છે. ત્યારે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ
કાંગરા, મંડી, સોલન અને સિરમૌરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. આ ચાર
જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આગામી 24 કલાક દરમિયાન હિમાચલમાં વ્યાપક વરસાદની આગાહી છે. આજે સાંજથી વરસાદની
તીવ્રતા ફરી વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદ અને આગામી સમયમાં
ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે સોલન, સિરમૌર, કાંગડા
અને મંડી જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. રાજ્ય સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
અને લોકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે
છે.
જ્યારે ધારચુલામાં વરસાદ આપત્તિજનક બન્યો છે. આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ફરીથી બંધ કરવામાં
આવ્યો છે. દોબાતમાં ખડકો તૂટી પડવાને કારણે આદિ કૈલાશ યાત્રા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
કાર્યકારી એજન્સી રસ્તો ખોલવામાં વ્યસ્ત છે. જોકે, રસ્તો ખોલવામાં સમય લાગી શકે છે. મોડી રાતથી
ધારચુલામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આને કારણે ભીની માટીમાં ભૂસ્ખલન વધુ થઈ રહ્યું છે.
રવિવારે મોડી રાતથી રુદ્રપ્રયાગ જિલ્લામાં મુશળધાર વરસાદ ચાલુ છે. વરસાદને કારણે જનજીવન
ખરાબ રીતે ખોરવાઈ ગયું છે. કેદારનાથ ધામ જતા શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે.
કેદારનાથ હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. હાઇવે પર વિજયનગરમાં ઉપરની ટેકરી
પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા છે. આના કારણે ચારથી પાંચ વાહનોને ભારે નુકસાન થયું છે. મોડી
રાતથી સિરોબાગઢ ખાતે બદ્રીનાથ હાઇવે પણ બંધ છે. હાઇવેની બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા છે.