ઈરાન-ઈઝરાયલ બાદ હવે ગાઝામાં પણ શાંતિ આવી શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈઝરાયલે ગાઝામાં 60 દિવસના યુદ્ધ વિરામ પર સંમતિ દર્શાવી છે. જોકે, આ માટે અમુક શરતો પણ મૂકી છે. આ મામલે ટ્રમ્પે હમાસને પણ ચેતવણી આપતા કહ્યું કે, સ્થિતિ વધુ વકરે તે પહેલાં સમજૂતી સ્વીકારી લે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે, ‘મારા પ્રતિનિધિઓએ આજે ગાઝા ઈઝરાયલના મુદ્દે ઈઝરાયલના નેતાઓ સાથે એક લાંબી અને કારગર બેઠક કરી. ઈઝરાયલે 60 દિવસના યુદ્ધવિરામને અંતિમ રૂપ આપવા માટે જરૂરી શરતો પર સંમતિ વ્યક્ત કરી છે, જે દરમિયાન અમે યુદ્ધ ખતમ કરવા માટે તમામ પક્ષો સાથે વાત કરીશું. કતર અને મિસ્ત્રના નેતાઓ, જેણે શાંતિ લાવવામાં ખૂબ મહેનત કરી છે, તેઓ આ અંતિમ પ્રસ્તાવને રજૂ કરશે. મને આશા છે કે, મિડલ ઈસ્ટના સારા માટે હમાસ આ સમજૂતી સ્વીકારી લેશે, કારણ કે જો તે આવું નથી કરતું તો સ્થિતિ વધુ ખરાબ બની જશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાત જુલાઈએ વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂની મેજબાની કરશે. ‘વ્હાઇટ હાઉસ’ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ટ્રમ્પ ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે પોતાના પ્રયાસ તેજ કરી રહ્યું છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા હતા, ત્યારબાદથી નેતન્યાહૂની વ્હાઇટ હાઉસની ત્રીજી યાત્રા હશે. આ મુલાકાત ગાઝામાં યુદ્ધવિરામ અને ઈરાનની ક્ષેત્રીય ગતિવિધિઓ અને રાજકીય સંબધોના વિસ્તાર પર કેન્દ્રીત હશે. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સંઘર્ષને ખતમ કરવા માટે નવેસરથી ફોકસ કરવાનો સંકેત આપતા ગાઝામાં આવતા અઠવાડિયા સુધી યુદ્ધવિરામની સંભાવના વ્યક્ત કરી હતી. નેતન્યાહૂની અમેરિકન યાત્રા ઈરાનની ન્યૂક્લિયર ફેસિલિટી પર અમેરિકન હુમલા બાદ જ થઈ રહી છે. તે સમયે ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો હતો.