વિદેશમાં જઈને આવતા લોકો પરત ફરતી વખતે અનેક વસ્તુઓ પોતાની સાથે લાવવાનું વિચારે છે. પરંતુ વિદેશથી લાવવામાં આવતા માલ પર કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. આ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે લોકો અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે. આજે અમદાવાદ એરપોર્ટે પર કસ્ટમ ડ્યટી ચોરી કરવામાં નિષ્ફળ ગયેલો એક યુવક ઝડપાયો છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, ઇતિહાદ એરવેઝની EY- 246 નંબરની અબુધાબીથી અમદાવાદ સવારે 4:15 કલાકે આવતી ફ્લાઇટમાં એક યાત્રી આવ્યો હતો. તેણે કાર્ગો પેન્ટ પહેર્યું હતું. ફ્લાઇટની ચકાસણી દરમિયાન કસ્ટમ વિભાગના અધિકારીઓને તેના હાવભાવ પર શંકા ગઈ હતી.
કસ્ટમ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ યાત્રીની તપાસ હાથ ધરી હતી. યાત્રી કાર્ગો પેન્ટના અનેક ખિસ્સાઓમાં કેટલીક વસ્તુઓ સંતાડેલી હતી. યાત્રી અબુધાબીથી 15 નંગ 16 પ્રો આઇફોન, 4 નંગ એપલની ઘડિયાળ અને 9.500 કિલો કેસર લાવ્યો હતો. આ માલની અંદાજીત કિંમત 24 લાખ છે. કસ્ટમ વિભાગે તેનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે યાત્રી પર કસ્મટ ડયુટી તથા પેનલ્ટી વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલો યાત્રી મૂળ મુંબઈનો વતની છે. વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ભરવામાં આવતી 35 ટકા કસ્ટમ ડયુટીથી બચવા માટે યાત્રીએ આ યુક્તિ અજમાવી હતી.