વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલનાં રાયો-દ-જાનીરોમાં મળી રહેલી બે દિવસની ૧૭મી બ્રિકસ શિખર
મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિખર પરિષદમાં ભારત, બ્રાઝિલ, ચીન, રશિયા, ઈન્ડોનેશિયા, ઈરાન,
ઈજીપ્ત, યુએઈ, સઉદી અરબસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈથોપિયા તેમ ૧૧ દેશોના પ્રતિનિધિઓ
ઉપસ્થિત રહ્યા છે. શી-જિનપિંગ, પુતિન, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન, અને ઈજીપ્તના પ્રમુખ
અબ્દુલ-ફતર-અલૂ-સીસી પરિષદમાં ઉપસ્થિત રહ્યા ન હતા.આ શિખર પરિષદમાં એવો નિર્ણય લેવાયો કે
૧૮મી શિખર પરિષદ ૨૦૨૬માં ભારતમાં યોજવી. વડાપ્રધાન મોદીએ તેનો સ્વીકાર કર્યો.બ્રિકસ
નેતાઓએ ઋતુ પરિવર્તન, સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન (યુએનએફસીસી)ની ૩૩મી પરિષદ પણ
ભારતમાં યોજવાની કરાયેલી દરખાસ્ત પણ વડાપ્રધાને સ્વીકારી હતી.
આ શિખર મંત્રણા પૂર્વે બ્રિક્સના સભ્ય દેશોના વિત્ત મંત્રીઓની બેઠક પણ મળી હતી. તેણે એક સંયુક્ત
નિવેદન દ્વારા ટેરિફ અને તેમાંથી માર્ગ કે સમાધાન શોધવાના મુદ્દા નોંધવામાં આવ્યા હતા. તેમાં વધુમાં
જણાવાયું કે આ નવી ટેરીફ વ્યવસ્થાથી વૈશ્વિક વ્યાપાર પર અસર પડશે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર
અવ્યસ્થિત થઈ જશે.
આ શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન મલયેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહીમને મળ્યા.
પહેલગાંવમાં આતંકી હુમલો થયો તેની તેઓએ કઠોર નિંદા કરી હતી. મોદીએ તે માટે તેઓનો આભાર
માન્યો હતો. બંને નેતાઓએ સંરક્ષણ, આતંકવાદનો સામનો કરવાની રણનીતિ, શિક્ષણ અને વ્યાપાર
તથા નિવેશ સહિત બંને દેશોની ભાગીદારીની ચર્ચા કરી હતી. તેઓએ ભારત આસીયાન સમિટમાં પણ
ભાગીદારીની ચર્ચા કરી હતી. તેવો ક્યુબાના પ્રમુખ માઇગુલ ડીમાઝ કેનેલને પણ મળ્યા. જેમની સાથે
ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, આયુર્વેદ, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ, ડીજીટલ, યુપીઆઈ, આપત્તિ નિવારણ
સંગઠન વિષે પણ ચર્ચા કરી હતી.