કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂર છેલ્લા ઘણા સમયથી સતત
ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે તેઓ પાર્ટીથી નારાજ છે અને પાર્ટી છોડી પણ શકે છે. એવામાં તાજેતરમાં
કરવામાં આવેલો એક સર્વે જાહેર થયો છે, જેમાં શશિ થરૂરને કેરળના મુખ્યપ્રધાન પદ માટે સૌથી
લોકપ્રિય ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. શશી થરૂરે આ સર્વે સાથેની પોસ્ટ તેમના એક્સ એકાઉન્ટ
પર રી-શેર કરી છે.
આગામી વર્ષે કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પોતાને મુખ્ય પ્રધાન પદના સૌથી
લોકપ્રિય ઉમેદવાર ગણાવતો સર્વે શેર કરતા શશિ થરૂરે કોંગ્રેસ હાઈકમાન્ડને સંકેત આપ્યો હોવાની ચર્ચા
છે.એક X યુઝરે આ સર્વે પોસ્ટ કર્યો હતો, આ પોસ્ટમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી અને
વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસન જેવા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓને ટેગ કરવામાં આવ્યા છે.
પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે તાજેતરના એક સર્વે દર્શાવે છે કે 2026 ની કેરળ ચૂંટણીમાં જૂથબંધીથી
પ્રભાવિત UDF ગઠબંધન માટે શશિ થરૂર મુખ્યપ્રધાન પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે.વોટવાઇબે કરેલા
સર્વેમાં સામેલ કેરળના 28.3 ટકા મતદારોએ શશી થરૂરને મુખ્ય પ્રધાન પદના યોગ્ય ઉમેદવાર માન્યા
છે. ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન કે કે શૈલજા LDF ગઠબંધનમાં સૌથી લોકપ્રિય ઉમેદવાર રહ્યા, તેમને
24.2 ટકા મત મળ્યા, જ્યારે વર્તમાન મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનને ફક્ત 17.5 ટકા મત મળ્યા.
સર્વેમાં થરૂરની લોપ્રીયતા વધી રહી હોવાનું જાહેર થયું છે, ત્યારે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)
થરૂરની અવગણના કરી રહી હોય એવું લાગે છે. KPCC નવનિયુક્ત પ્રમુખ સની જોસેફે કહ્યું કે કોંગ્રેસ
યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ચૂંટણી પરિણામો પછી જ તેનું નેતૃત્વ પસંદ કરે છે.થરૂર અને કોંગ્રેસ
હાઈકમાન્ડ વચ્ચે હાલ તણાવપૂર્ણ સંબંધો છે. મલ્લિકાર્જુન ખડગે સામે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી
લડ્યા બાદથી થરૂરના રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વ સાથેના સંબંધો બગડી રહ્યા છે. કેન્દ્ર સરકારની ઓપરેશન
સિંદૂર આઉટરીચ પહેલ માટેના કોગ્રેસ નેતાઓની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવતાં આ
તણાવ જાહેર થઇ ગયો હતો.