અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે વિશ્વના દેશો પર લગાવેલી ટેરિફની યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય
છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવ્યા પહેલા જ આ ટેરિફ લાગાવવાની વાત કરી હતી. જેનો હવે અમલ
શરૂ થઈ ચૂક્યો છે. વિવિધ દેશોમાં પત્ર મોકલી ટેરિફ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ
આ યાદીમાં હાલ સુધી ભારતનું નામ સામેલ થયું નથી. જે ભારત માટે રાહતના સમાચાર છે. ભારત
અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે છ વેપારી ભાગીદારોને ટેરિફ પત્રો મોકલ્યા અને વધુ દેશો પર
આયાત ટેરિફ લાદવાની ચેતવણી આપી. અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો
પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો હતો, જેને 9 જુલાઈ સુધી 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો
હતો. હવે આ નિર્ણયને 1 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે, જોકે 10 ટકા બેઝલાઇન ટેરિફ યથાવત્
રહેશે.
સોમવારે ટ્રમ્પ સરકારે બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ
આફ્રિકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, કઝાકિસ્તાન, લાઓસ, સર્બિયા અને ટ્યુનિશિયાનો ટેરિફ
પત્રો મકલ્યા હતા. જ્યારે બુધવાર સુધીમાં લિબિયા, ઇરાક, અલ્જેરિયા (30 ટકા), મોલ્દોવા, બ્રુનેઇ (25
ટકા) અને ફિલિપાઇન્સ (20 ટકા)ને પણ ટેરિફ પત્રો મળી ચૂક્યા છે.
ટ્રમ્પે અગાઉ ભારત જેટલી ટેરિફ વસૂલે છે, તેટલી જ ટેરિફ લાદવાની વાત કરી હતી. જ્યારે દવાઓ
આયાત પર 200 ટકા ટેક્સ લગાવવાની પણ ધમકી આપી હતી. જે ભારતીય દવા ઉત્પાદકો માટે
ચિંતાનો વિષય છે. 2024-25માં ભારતની વૈશ્વિક દવા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 31 ટકા હતો, જેનું
કુલ મૂલ્ય 30 અબજ ડોલરથી વધુ હતું. 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.84
અબજ ડોલરનો હતો, જેમાં 86.51 અબજ ડોલરની નિકાસ અને 41.18 અબજ ડોલરનું વેપાર નોંધાયુ
હતુ.