ભાજપના શાસનમાં નેતા અને કાર્યકર્તા તો ઠીક ખુદ મંત્રી અને ધારાસભ્યો જ હોદ્દાનો દુરુપયોગ કરીને
લાભ લેવામાં બાકાત રહ્યા નથી. રાજકીય વગના જોરે મંત્રીપુત્રોને તો જાણે મોકળું મેદાન મળી ગયું છે.
સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો કસૂરવાર અને મંત્રીપુત્રોને તો કોઈ કહેનારું જ નથી. એવામાં હવે ભારતીય
જનતા પાર્ટીના હાઈકમાન્ડે કલંકિત મંત્રીઓની હકાલપટ્ટી કરવાનું મન બનાવી લીધું છે.
ગુજરાતમાં મનરેગા હોય કે પછી નકલી હથિયાર લાઈસન્સનું કૌભાંડ હોય. મંત્રીપુત્રોની સંડોવણી બહાર
આવતા રાજ્ય સરકારના મંત્રીમંડળની પ્રતિષ્ઠા દાવ પર છે. એવામાં બચુ ખાબડ, મુકેશ પટેલ અને
ભીખુસિંહ પરમાર હાઈકમાન્ડની હીટલિસ્ટમાં આવી ગયા છે. પક્ષ અને સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી
હોવાના કારણે આ મંત્રીઓના પેડ પર તલવાર લટકી રહી છે અને તેમનું મંત્રીમાંથી પત્તુ કપાઈ શકે છે
તેવી ચર્ચાઓ થઇ રહી છે.
દાહોદ જિલ્લો મંત્રી બચુ ખાબડનો મતવિસ્તાર રહ્યો છે જ્યાં ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાના
બદલે તેમના પુત્રોએ કાગળ પર માટીરિયલ સપ્લાય બતાવ્યું અને લાખો કરોડો રૂપિયા ભેગા કરી લીધા.
ખાબડની રાજકીય વગના જોરે કૌભાંડ ચાલ્યું. જોકે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં
આવશે નહીં તેવી ડીંગો હાંકવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગણ લાઈસન્સનું
રાજ્યવ્યાપી કૌભાંડ પણ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં વન પર્યાવરણ મંત્રી મુકેશના પુત્ર વિશાલ પટેલે
પણ નકલી લાઈસન્સ મેળવ્યું છે. કરોડોનો બીઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર
સુધી પહોંચ્યો. મુખ્ય સૂત્રધાર સાથે મંત્રીપુત્રની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા
સાથે મંત્રીના પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભારતીય જનતા પાર્ટીને
પણ મોટું ફંડ આપ્યું હોવાનો આરોપ છે.