અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક
બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જોકે
બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના
રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી. જોકે અન્ય બે પુરુષ પણ ઈજાગ્રસ્ત થયા
હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
એક પોલીસ જવાનને પણ ગોળી મારી
પોલીસે આપેલી માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરએ એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને
ઈજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝૂંટવીને ચર્ચની તરફ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો
કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી. લક્સિંગટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ
તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો
હતો.