મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ‘ચેલેન્જ રાજનીતિ’ હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે ગાંધીનગર જવા રવાના થયા છે. કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે વિધાનસભા પહોંચશે, જ્યાં તેઓ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોશે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલીયાનો વિજય થયા બાદ, મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા હતા. આ આંદોલનો દરમિયાન વારંવાર “વિસાવદર વાળી થશે” તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી, જેનો ઉદ્દેશ્ય મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો.આના જવાબમાં, કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે, જો ગોપાલ ઇટાલીયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય, તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે. ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ‘ચેલેન્જ રાજનીતિ’નો પ્રારંભ થયો હતો.
દરમિયાન આજે સોમવારે સવારે, કાંતિભાઈ અમૃતિયા મોરબી ઉમા ટાઉનશિપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી ગાંધીનગર જવા રવાના થયા છે. મોરબી અને માળિયા વિધાનસભા બેઠકના તેમના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા છે. અંદાજે 100 કરતા વધુ ગાડીના કાફલા સાથે તેઓ ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે તેની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા માટે નહીં આવે, તો કાંતિભાઈ અમૃતિયા પણ પોતાનું રાજીનામું આપશે નહીં. અને ગોપાલ ઈટાલીયા આવ્યા ના હતા. આખરે આ આખી ઘટના સ્ટન્ટ સમાન બની રહી હતી.
ગોપાલ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું નહી આપે : ઈસુદાન ગઢવી
ચેલેન્જ વોર વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.