ચીનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચેનો
મુક્ત વેપાર ફક્ત બંને દેશ માટે જ નહીં આખા વિશ્વ માટે ફાયદાકારક છે. તેમણે વેપાર અવરોધ
હટાવવા અને બંને દેશના લોકોનો એકબીજા સાથે મેળમિલાપ વધારવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના
ઉપરાષ્ટ્રપતિ ઝેંગ અને વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે બંને દેશે એકબીજા સાથે વેપાર કરવા દરમિયાન પ્રતિબંધો ન લગાવવા
જોઈએ. તેનાથી બંનેને નુકસાન થશે. બંને દેશ વચ્ચેના સારા સંબંધ ફક્ત બંને દેશ માટે જ નહીં આખા
વિશ્વ માટે જરુરી છે. છેલ્લા નવ મહિના દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધમાં નોંધપાત્ર સુધારો થયો છે.
ચીનના વાઇસ પ્રેસિડેનટ્ ઝેંગે જણાવ્યું હતું કે ડ્રેગન અને હાથી એકસાથે આવી જાય તો બંને દેશ
જબરદસ્ત વિકાસ સાધી શકે છે. બંને દેશ ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્ય છે. બંને દેશ એકબીજાના
વિકાસમાં એકબીજાને મદદ કરી શકે છે. જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ હાન જેંગ સાથે મુલાકાત કરી.
તેમણે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને ખુલ્લા વિચારો અને અનુભવોનું શેરિંગ કરવું
જોઈએ. તેમની મુલાકાત પહેલાં ભારતના ચીની દૂતાવાસે તિબેટ સંલગ્ન મુદ્દાઓને ભારત-ચીન દ્વિપક્ષીય
સંબંધોમાં મોટો અવરોધ ગણાવ્યો હતો.