સમગ્ર ગુજરાતમાં ખાધ પદાર્થમાં ભેળસેળ કરનારા માટે સરકાર કડક પગલા લેવાની તૈયારીમાં છે. હવે
જો કોઈ વ્યક્તિ હાનિકારક ખોરાકનું વેચાણ કરે છે અને તેના પરિણામે કોઈ મૃત્યુ થાય છે, તો તેવા
કેસમાં 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો
પડશે. સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની દંડની જોગવાઈઓમાં સુધારા કરવાની તૈયારીમાં
છે. આ માટે સરકારે નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા છે.
ખાધ પદાર્થમાં સામાન્ય ભેળસેળથી લઈને હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય
જોગવાઈમાં સુધારા કરવા સરકાર તૈયાર છે. સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં સુધારાની
તૈયારી છે. હાલની જોગવાઈઓ અનુસાર ભેળસેળ માટે કેટલીક સજા નક્કી છે, પરંતુ હવે તેને વધુ કડક
બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે જેથી ખોરાકની ગુણવત્તા સાથે કોઈ પણ રમત ન કરી શકે અને જો કોઈ
કરે તો તેમની સામે કડક કાર્યવાહી થાય. આ સુધારા માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં
ઓનલાઈન વાંધા-સૂચનો મંગાવ્યા છે.આ સુધારાથી ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને
પણ સ્પષ્ટ સંદેશ મળશે કે ખોરાકમાં ભેળસેળ માત્ર નૈતિક નહીં પણ કાનૂની દ્રષ્ટિએ પણ ગંભીર અપરાધ
છે. સામાન્ય ભેળસેળથી લઈ હાનિકારક અને જીવલેણ ભેળસેળ સુધી દરેક પર સખત કાર્યવાહી થશે.