ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવિધ મુદ્દે ઘણા મતભેદ અને તણાવો ચાલી રહ્યા છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહી બાદ આ તણાવમાં વધારો થયો છે. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથેના તમામ વિવાદો ઉકેલવા માટે વાતચીનની તૈયારી દર્શાવી છે. આ નિવેદન તેમણે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથે ઇસ્લામાબાદમાં થયેલી મુલાકાત દરમિયાન આપ્યું હતું.
શહબાઝ શરીફે બ્રિટનની હાઈ કમિશનર સાથેની બેઠકમાં જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથેના તમામ મુદ્દાઓ પર ખુલ્લી અને રચનાત્મક ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાના વર્તમાન પરિસ્થિતિ અંગે પણ વાતચીત થઈ. શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પણ પ્રશંસા કરી, જે બંને દેશો વચ્ચે શાંતિની શક્યતાઓને દર્શાવે છે.
ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તે પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દાઓ – પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)ની વાપસી અને આતંકવાદ – પર જ વાતચીત કરશે. મે 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ ઘટનાએ ચાર દિવસ સુધી ભારે તણાવ ઊભો કર્યો હતો, જે 10 મેના રોજ બંને દેશોના સૈન્ય કાર્યવાહી રોકવાના સમજૂતી સાથે સમાપ્ત થયો.શહબાઝ શરીફે બ્રિટન સરકારના પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઇન્સ (PIA)ની ઉડાનો ફરી શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી બ્રિટનમાં રહેતા પાકિસ્તાની સમુદાયને મોટી રાહત મળશે અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. આ પગલું બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ગતિ આપશે.