ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. હવે આ ચાર આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની સમા પરવીનની ATSએ ધરપકડ કરી છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે આ યુવતી નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકીઓ પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો તે પણ આ યુવતી નક્કી કરતી હતી.
યુવતીનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે. સમા પરવીનના મોબાઇલમાંથી 3 ગ્રુપ મળી આવ્યા છે. તેમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. આ ગ્રુપમાં પણ સમા પરવીન એડ કરવાનો નિર્ણય લેતી હતી. માત્ર એટલું જ નહીં ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. મહિલા સંગઠન ચલાવતી હોવાનું ઓછા કિસ્સામાં સામે આવ્યું છે.
AQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.સોશિયલ મીડિયામાં એકબીજા સાથે જેહાદ અને શરિયતને લઈને અન્ય લોકોને આકર્ષવા માટે પ્રયાસ કરતાં હતાં.