ઇઝરાયલે વર્ષોથી પેલેસ્ટાઇનના પ્રદેશો પર કરેલા ગેરકાયદે કબજા અને ઇઝરાયલના સંસ્થાનવાદી
વલણ સામે ધીમે ધીમે દુનિયાભર દેશો અવાજ ઉઠાવી રહ્યા છે. ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ અગાઉ
જાહેર કરી ચુક્યા છે કે તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા સત્રમાં
પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપશે. હવે કેનેડાએ પણ જાહેરાત કરી છે કે તે પેલેસ્ટાઇન રાષ્ટ્રને
ઔપચારિક રીતે માન્યતા આપશે.
એક સત્તાવર નિવેદનમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ
વચ્ચેના સંઘર્ષમાં કેનેડા હંમેશા ટૂ સ્ટેટ સોલ્યુશનને ટેકો આપે છે, જો કે, ટૂ સ્ટેટ સોલ્યુશનની સંભાવનાઓ
સતત અને ગંભીર રીતે ઓછી થઈ રહી છે. માર્ક કાર્નીએ ગાઝામાં ઉભી થયેલી માનવતાવાદી આપત્તિ
અંગે ચિંતા વ્યક્ત કરી અને ઇઝરાયલની ટીકા કરી. કાર્નીએ કહ્યું કે ગાઝામાં ઝડપથી વણસી રહેલી
માનવતાવાદી આપત્તિને રોકવામાં ઇઝરાયલી સરકાર નિષ્ફળ ગઈ છે અને ટૂ સ્ટેટ સોલ્યુશનનો અર્થ
હિંસાને બદલે શાંતિ પસંદ કરનારા લોકો સાથે ઉભા રહેવાનો છે. સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટેનો
એકમાત્ર રોડમેપ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રોનું શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ છે, કનેડા તેને ટેકો આપે
છે. તેમણે કહ્યું, “ગાઝામાં નાગરિકોની વધતી જતી પીડાને જોતા શાંતિ, સુરક્ષા અને ગૌરવપૂર્ણ માનવ
જીવનને ટેકો આપવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવામાં હવે વધુ વિલંબ કરી શકાય નહીં.
આ કારણોસર, સપ્ટેમ્બર 2025 યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 80ના સત્રમાં કેનેડા
પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપશે.