ચોમાસાને કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
હિમાચલમાં ત્રણ જગ્યાએ ફરીવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા હાલત બેહાલ થઈ ગઇ હતી. ભારે
વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ સ્થગિત રહી. બીજી તરફ,
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે 16 જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે.
શુક્રવારે હિમાચલની લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા. સવારે ટીંડી નજીક પુહરે નાલામાં
પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. પૂરને કારણે ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થઈ
ગયો હતો, જેને સાંજે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજી ઘટના
લાહૌલની યાંગલા ખીણમાં બની હતી. જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાદળ
ફાટવાની ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહમાં બની હતી.કાંગડા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સાત
પશુઓના વાડા અને બે ઘર ધરાશાયી થયા. હરિપુર તાલુકાના ગુલેર ગામમાં ટેકરા પરથી પડી જવાથી
76 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કાદવની સ્થિતિ વધવાને કારણે, ચંબાના બાજોલી-હોલી અને ગ્રીનકો
બુધિલ જળવિદ્યુત પ્રોજેક્ટ સલામતીના કારણોસર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી
મંડીમાં પંડોહ નજીક કૈંચીમોદ અને બિલાસપુરમાં સમલેટુ ખાતે ભૂસ્ખલનને કારણે કીતરપુર-મનાલી ફોર
લેન રોડ લગભગ નવ કલાક માટે અવરોધિત રહ્યો હતો. આ કારણે ફોર લેન રોડની બંને બાજુ સેંકડો
વાહનો ફસાયેલા રહ્યા. ભારે વરસાદને કારણે શ્રી અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં
આવી છે.