યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ટ્રમ્પે ભારતની ટીકા કરી હતી અને હજુ વધુ ટેરીફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પના આ વલણ સામે ભારતે કડક અને સ્પષ્ટ જવાબ આપ્યો છે. ભારતે પશ્ચિમી દેશોના વલણને “અયોગ્ય અને ગેરવાજબી” ગણાવ્યું. ભારત સરકારે ભારપૂર્વક જણાવ્યું કે તે દેશના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં પેટ્રોલિયમ ખરીદે છે, જેને કારણે રશિયાને મોટો નફો મળી રહ્યો છે. ટ્રમ્પે દલીલ કરી હતી કે રશિયા ભારતથી મળતા નાણાંનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધ માટે કરી રહ્યું છે, જેમાં નિર્દોષ લોકોની હત્યા થઇ રહી છે. તેમણે ધમકી આપી કે ભારત પર નોંધપાત્ર રીતે ટેરિફ વધારવામાં આવશે. હવે ભારતના વિદેશ મંત્રાલયએ ટ્રમ્પને જવાબ આપ્યો છે.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરુ થયા બાદથી જ રશિયા પાસેથી પેટ્રોલિયમ આયાત કરવા બદલ અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) ભારતને નિશાન બનાવી રહ્યા છે. રણધીર જયસ્વાલે કહ્યું, “ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને ગેરવાજબી છે. કોઈપણ મોટા અર્થતંત્રની જેમ, ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે US અને EUને જવાબ આપતા કહ્યું કે યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી ટ્રેડીશનલ સપ્લાય યુરોપ તરફ વાળવામાં આવી હતી માટે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાનું શરૂ કર્યું. તે સમયે ગ્લોબલ એનર્જી માર્કેટ બજારોની સ્થિરતાને મજબૂત બનાવવા માટે યુએસએ ભારત દ્વારા કરવામાં આવતી આયાતને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતીય ગ્રાહકોને પુરતી અને સસ્તી એનર્જી મળતી રહે એ માટે અમે આ આયાત કરવામાં આવે છે.તેમણે કહ્યું, ભારતની ટીકા કરનારા રાષ્ટ્રો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે અને અમારી જેમ તેમના માટે રશિયા સાથે વેપાર કરવો મજબૂરી પણ નથી.
તેમણે રશિયા સાથે પશ્ચિમમી દેશોના વેપારની વિગતો આપતા કહ્યું વર્ષ 2024માં રશિયા સાથે EUનો દ્વિપક્ષીય વેપાર 67.5 બિલિયન યુરોનો હતો, આ આંકડાઓ એ વર્ષે અથવા ત્યારબાદના વર્ષોમાં રશિયા સાથેના ભારતના કુલ વેપાર કરતાં ઘણો મોટો છે. વર્ષ 2024માં યુરોપના દેશોએ રશિયા પસેથી આયાત કરેલા LNG ની માત્રા 16.5 મિલિયન ટનના રેકોર્ડ પર પહોંચી, આ આયાત વર્ષ 2022માં 15.21 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી વધુ હતી.
આ ઉપરાંત ટ્રમ્પને સણસણતો જવાબ આપતા રણધીર જયસ્વાલે કહ્યું, “જ્યાં સુધી અમેરિકાની વાત છે, યુએસ તેની ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ રશિયા પાસેથી આયાત કરે છે, આ ઉપરાંત યુએસ EV ઇન્ડસ્ટ્રી માટે પેલેડિયમ, ખાતરો તેમજ રસાયણો પણ રશિયા પાસેથી આયાત કરે છે. પોતે રશિયા સાથે વેપાર કરે છે. અને બીજાને ના પાડે તે વાતને ગેરવાજબી ગણવી હતી.