ટેરીફ અને રશિયા સાથે વેપાર મામલે ભારત અને યુએસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે યુએસમાં આયાત થતી ભારતીય પેદાશો પર 25 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી, બાદમાં, ટ્રમ્પે ભારત રશિયા પાસેથી શસ્ત્રો અને પેટ્રોલિયમ ખરીદતું હોવાથી ટેરીફ વધારવાની ધમકી આપી હતી.ટ્રમ્પને જવાબ આપતા ભારતે રશિયા સાથે યુએસ દ્વારા કરવામાં આવતા વેપારના આંકડા રજુ કર્યા હતાં. ભારતના જવાબથી ટ્રમ્પની આંખ ઉઘડી હોય એવું લાગે છે. ટ્રમ્પે કહ્યું તેમને એ વિષે કોઈ માહિતી નથી, તપાસ કરવી પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એવો આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયા પાસેથી જે પેટ્રોલિયમ ખરીદે છે, તે નાણા ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધ માટે કરે છે. રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાના મામલે ટ્રમ્પે ભારતની ચીન સાથે સરખામણી કરી. ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો હતો.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું, “જ્યાં સુધી અમેરિકાની વાત છે, યુએસ તેની ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ રશિયા પાસેથી આયાત કરે છે, આ ઉપરાંત યુએસ EV ઇન્ડસ્ટ્રી માટે પેલેડિયમ, ખાતરો તેમજ રસાયણો પણ રશિયા પાસેથી આયાત કરે છે.
હવે ટ્રમ્પને જ્યારે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો પર સંભવિત રીતે વધારાના ટેરિફ લગાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ નરમ પડ્યા જણાયા. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમની 100% ટેરિફ ધમકી પર અમલ કરશે. તેના જવાબમાં તેમણે કહ્યું. “મેં ક્યારેય ટકાવારી અંગે સ્પષ્ટતા કરી નથી, પરંતુ અમે તે અંગે ઘણાં પગલા લઈશું કરીશું. આગામી સમયમાં શું થાય છે તે જોઈશું. ટ્રમ્પની ટેરિફ ધમકીની ભારત પર કોઈ અસર થઇ નથી. ભારત સરકારે પેટ્રોલિયમ આયાતકારોને રશિયા સાથે વેપાર ઘટાડવા માટે કોઈ સુચન આપ્યા નથી. લગભગ એક મહિના પછી ટ્રમ્પનું વલણ નરમ પડ્યું જણાઈ રહ્યું છે.