કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર 14.5 કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો પકડી
પાડી પ્રવાસીની ધરપકડ કરી હતી.બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે વહેલી સવારે મુંબઈના છત્રપતિ
શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચેલા પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ
શંકાને આધારે આંતર્યો હતો.અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં તેની ટ્રોલી બેગમાં
કપડાંની નીચે છુપાવવામાં આવેલો ઉચ્ચ ગુણવત્તાનો 14.5 કરોડ રૂપિયાની કિંમતનો 14.548 કિલો
ગાંજો મળી આવ્યો હતો.આથી પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ)
એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે
પ્રવાસીને ગાંજાની તસ્કરી માટે કમિશન મળવાનું હતું. પ્રવાસીએ બેંગકોકમાં હાઇડ્રોપોનિક ગાંજો કોની
પાસેથી મેળવ્યો હતો અને તે મુંબઈમાં કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો તેની તપાસ કરવામાં આવી
રહી છે.