અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ
વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલની સ્થિતિમાં ભારત પાસે ટ્રેડ
ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો હતો. ભારત પર લાદેલા 50 ટકા ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ
કોન્ફરન્સમાં પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દાનો ઉકેલ નહી આવે ત્યાં સુધી ટ્રેડ ડીલ
અંગે કોઈ ચર્ચા કરવામાં નહી આવે.
અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ પણ આકરી પ્રતિક્રિયા આપી
હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત ખેડૂતોના હિતો સાથે સમજૂતી નહી કરે. પીએમ મોદીએ ગુરુવારે
આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ય પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે
ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હિત સાથે સમજૂતી નહી કરે. તેમણે
કહ્યું કે મારે ખેડૂતોના હિતની રક્ષા માટે કિંમત ચુકવવી પડશે તો તેની માટે હું તૈયાર છું.
અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડીલ પૂર્વે જ ભારતમાં કૃષિ અને ડેરી પ્રોડક્ટમાં પ્રવેશની માંગ કરે છે. પરંતુ
ભારતે અમેરિકાને સ્પષ્ટ કહ્યું હતું કૃષિ અને ડેરી સેક્ટરમાં કોઈ સમજૂતી કરવામાં નહી આવે. તેમજ આ
સેક્ટરમાં ભારત ટેરિફ અંગે કોઈ સમજૂતી નહી કરે.ટેરિફ વિવાદના કારણે ભારત અને અમેરિકાના
સંબંધમાં હાલ દરાર પડી છે.