નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવશે. આ નવો પાસ ખાસ કરીને નિયમિત મુસાફરી કરનારા ખાનગી વાહન ચાલકો માટે બનાવવામાં આવ્યો છે.
આ પાસ હેઠળ, ગ્રાહકો એક વખતની 3,000 રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવવાનો પ્રયાસ છે.
NHAIએ આ વર્ષે જૂનમાં FASTag એન્યુઅલ પાસની જાહેરાત કરી હતી, જે ખાનગી કાર, જીપ અને વેન જેવા બિન-વ્યાપારી વાહનો માટે પ્રીપેડ ટોલ પ્લાન છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ પાસ 60 કિલોમીટરની રેન્જમાં આવેલા ટોલ પ્લાઝાની સમસ્યાઓનું સમાધાન કરશે અને એક જ ચુકવણી દ્વારા ટોલ ચૂકવણીને સરળ બનાવશે.આ પાસને FASTag સાથે લિંક કરી શકાય છે, જે વાહનના નોંધણી નંબર સાથે જોડાયેલ હોવો જોઈએ. આ યોજના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે જેમ કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, મુંબઈ-નાસિક, મુંબઈ-સુરત અને મુંબઈ-રત્નાગિરી માર્ગો પર લાગુ થશે.