પાકિસ્તાન આમ તો આતંકી પ્રવૃતિઓના કારણે બદનામ થયેલું જ છે, અને હવે સુરક્ષા મામલે પણ પાણી ફરી રહ્યું હોવાનું સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આજે 14મી ઓગસ્ટને પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ માને છે. કરાચીમાં એક કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્વતંત્રતા દિવસના સમારોહમાં ફાયરિંગ થયું જેમાં 8 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનું મોત થયું છે. એટલું જ નહીં પરંતુ 60 થી વધારે લોકો ઘાટલ થયાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
પાકિસ્તાનીઓ સ્વતંત્રતા દિવસની ઉજણી કરી રહ્યાં છે કે, મોતને આમંત્રણ આપી રહ્યાં છે એ જ નથી સમજાતું! કારણે આજે આખા શહેરમાં ફાયરિંગની ઘટનાઓ બની છે. જેમાં એક બાળકીને ગોળી વાગી હતી, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આખા શહેરમાં ગોળીબાર થયો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. અધિકારીઓએ આ ઘટનાઓને મોટી લાપરવાહી ગણાવી છે.
આ સમગ્ર ઘટનાઓ અંગે કરાચી પોલીસે કહ્યું કે, કરાચીના લિયાકતાબાદ, કોરંગી, લિયારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બાલ્ડિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગરમાં વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ સાથે સાથે નાઝમાબાદ, શરિફાબાદ, સુરજાની ટાઉન, જમાન ટાઉન અને લાંધીમાં પણ ફાયરિંગ થયું હતું. આ પહેલી વખત નથી. 14મી ઓગસ્ટે દર વર્ષે પાકિસ્તાનમાં ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. આ પહેલા 2024માં જ્યારે ફાયરિંગ થયું ત્યારે 95 લોકો ઘાયલ થયાં હતાં.આ કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે કહ્યું કે, જે લોકોએ ફાયરિંગ કર્યું તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાઓ શા માટે બની અને આની પાછળ કોણ જવાબદાર છે? તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે તેવું પણ પોલીસે જણાવ્યું છે.