અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયો ગાંડોતૂર બનતા ત્રણ બોટો ડૂબી જવાના કારણે હાહાકાર મચ્યો છે.
જાફરાબાદની ‘જય તાત્કાલિક’ તથા ‘દેવકીનંદન’ બોટ તથા ઊના તાલુકાના રાજપરા ગામની ‘મુરલીધર’
બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. અચાનક જાફરાબાદના દરિયામાં ઉફાન આવતા આ દુર્ઘટના સર્જાઈ
હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જાફરાબાદની ‘જય તાત્કાલિક’ તથા ‘દેવકીનંદન’ બોટ તથા ઊના તાલુકાના રાજપરા ગામની ‘મુરલીધર’
બોટ મળી ત્રણેય બોટમાં કુલ મળી ૨૭ જેટલા ખલાસીઓ સવાર હતા. જેમાંથી ૧૬ જેટલાં ખલાસીઓને
સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ૧૧ ખલાસીઓ દરિયામાં લાપતા હોવાનું બહાર
આવ્યું છે.આ ઘટનામાં બચાવાયેલા ખલાસીઓને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રીના સમયે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ
પહોંચીને ૪ જેટલા ખલાસીઓની મુલાકાત લીધી હતી. અને વહીવટીતંત્રને પણ તાત્કાલિક રાહત-બચાવ
કામગીરી તેજ કરવાની સૂચના આપી હતી.ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનાની જાણ થતાં જ
સમગ્ર તંત્ર બચાવ કામગીરીમાં જોડાયું છે. અને અમરેલીનું વહીવટી તંત્ર પણ જાફરાબાદ ખાતે પહોંચી
રહ્યું છે.” તેમણે આશ્વાસન આપ્યું કે લાપતા ખલાસીઓને શોધવા માટે દરિયાઈ બચાવ દળ સહિત
તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને રાજ્ય સરકાર પણ આ બાબતે સતત ચિંતિત છે.
આ ઘટના બાદ માછીમાર સમાજમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી છે. દરિયો ગાંડોતૂર બનતા
માછીમારોમાં ભયનો માહોલ છે અને માછીમારોના પરિવારજનો બોટમાં સવાર લાપતા સગાઓ માટે
વ્યાકુળતા અનુભવી રહ્યા છે. હાલ દરિયામાં તોફાની પવન અને ઊંચી મોજાઓ હોવાને કારણે બચાવ
કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાં તંત્ર સતત પ્રયાસ કરી રહયું છે. જાફરાબાદના કિનારે લોકો મોટી
સંખ્યામાં એકઠા થયા છે.






