રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પહેલી બેઠકમાં મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પુતિને શાંતિ કરાર માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે. તે ઇચ્છે છે કે યુક્રેન સમગ્ર ડોનબાસ પ્રદેશ છોડી દે, નાટો (NATO)માં જોડાવાની તેની મહત્વાકાંક્ષા છોડી દે, તટસ્થ રહે અને તેની ભૂમિ પર પશ્ચિમી સૈનિકોની તહેનાતીની મંજૂરી ન આપે.
સૂત્રોના જણાવ્યાનુસાર, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જૂન 2024ની તેમની જૂની માંગણીઓને કંઈક અંશે નરમ બનાવી દીધી છે. અગાઉ તે ઇચ્છતા હતા કે યુક્રેન ચારેય પ્રાંતો (ડોનબાસના ડોનેટ્સક અને લુહાન્સ્ક, તેમજ ખેરસોન અને ઝાપોરિઝિયા) રશિયાને સોંપી દે. પરંતુ હવે તેણે માંગણી ફક્ત ડોનબાસ પૂરતી મર્યાદિત કરી દીધી છે. આ ઉપરાંત રશિયા વર્તમાન ઝાપોરિઝિયા અને ખેરસોન મોરચા પર લડાઈ બંધ કરવા તૈયાર છે. પુતિન ખારકીવ, સુમી અને ડિનિપ્રોપેટ્રોવસ્કના કેટલાક ભાગોમાંથી પીછેહઠ કરવા માટે પણ સંમત થઈ શકે છે.યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીએ પુતિનની શરતો નકારી કાઢી છે. તેમણે કહ્યું, ‘ડોનબાસને છોડી દેવું શક્ય નથી. આ આપણા દેશના અસ્તિત્વ અને આપણી સૌથી મજબૂત સંરક્ષણ રેખાનો પ્રશ્ન છે.’ યુક્રેનના બંધારણમાં નાટો સભ્યપદ એક વ્યૂહાત્મક ધ્યેય છે અને કિવ માને છે કે તે તેની સૌથી મજબૂત સુરક્ષા ગેરંટી છે.
18મી ઑગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. તેમની સાથે ઘણાં યુરોપિયન નેતાઓ પણ હાજર હતા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીએ લગભગ 40 મિનિટ સુધી વાત કરી અને નિર્ણય લીધો કે રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત થશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘હું પુતિન સાથે સીધી વાત કરવા તૈયાર છું, પરંતુ યુક્રેનિયન જમીન છોડવાના કોઈપણ પ્રસ્તાવને સ્વીકારશે નહીં.’