અમેરિકાએ તમામ વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વિઝા ઇશ્યૂ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું છે. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 21 ઓગસ્ટે X પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે, ‘અમે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી રહ્યા છીએ. વર્કર વિઝા રોકવા પાછળનું કારણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલો હરજિન્દર સિંહ છે, જેણે એક ભૂલને કારણે મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.
રુબિયોએ વધુમાં લખ્યું કે, ‘અમેરિકાના રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકનોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકા ઘટી રહી છે.’અમેરિકામાં આ કાર્યવાહી એક મોટા અકસ્માત બાદ કરવામાં આવી છે. ફ્લોરિડાના એક હાઈવે પર ટ્રેક્ટર-ટ્રેલર ચલાવી રહેલા હરજિન્દર સિંહે જ્યાંથી મંજૂરી નહોતી ત્યાંથી યુ-ટર્ન લીધો, જેના કારણે પાછળ આવી રહેલી કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. હરજિન્દર પર બેદરકારીથી વાહન ચલાવીને હત્યા કરવાનો આરોપ મૂકાયો છે.
અમેરિકાના ફેડરલ અધિકારીઓ અનુસાર, હરજિન્દર સિંહ ભારતનો છે. તેણે કથિત રીતે મેક્સિકોના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. અકસ્માત બાદ તે અંગ્રેજીની પરીક્ષામાં પણ નિષ્ફળ ગયો. આ મામલો અમેરિકન મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળા ફ્લોરિડામાં અધિકારીઓ દ્વારા તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.