ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં
સ્થિતિ ચિંતાજનક છે. પંજાબની નદીઓ, સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે, આ
નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં અરાજકતા છે. આના કારણે
પંજાબના 1 હજારથી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, આપત્તિ
વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે, તેમજ અસરગ્રસ્ત લોકોને સલામત
સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી અને પૂરની પરિસ્થિતિ
વિશે માહિતી મેળવી હતી.પંજાબના 23માંથી 12 જિલ્લા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરને
કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયાના અહેવાલ છે. આનાથી લગભગ 15 લાખ લોકો પ્રભાવિત
થયા છે અને અત્યાર સુધીમાં લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરના
કારણે પંજાબમાં ખેતીને પણ અસર થઈ છે. લગભગ 3 લાખ એકર ખેતીલાયક જમીનને અસર થઈ છે,
જેના કારણે ડાંગર, કપાસ અને મકાઈના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
હવામાન વિભાગે પંજાબમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે, ભારે વરસાદની
શક્યતા છે. તેથી જ આ પૂરની પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા ઓછી છે.
બોક્સ…
રાજસ્થાનમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં
રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર
દિવસ સુધી વરસાદની આગાહી છે. આજે બુધવારના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે
ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર,
દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે.
રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક
જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. દૌસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટતાં જયપુરના કોટખાવડા અને
ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે, જ્યાં સેંકડો લોકો ફસાયા છે.પ્રતાપગઢમાં એક
શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા, સવાઈ માધોપુરમાં એક યુવક બંધ પર સ્ટંટ કરતા તણાઈ
ગયો, જોધપુરમાં એક મકાન ધરાશાયી થયું, પાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ અને જાલોરમાં ત્રણ બાઇક
સવાર પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકની શોધ ચાલુ છે.