GST કાઉન્સિલની 56મી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં દેશની વર્તમાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલીને સરળ બનાવવામાં આવશે.નાણામંત્રીએ જણાવ્યું છે કે હવેથી 12% અને 28% ના ટેક્સ સ્લેબને હટાવી દેવામાં આવશે અને માત્ર 5% અને 18% એમ બે જ સ્લેબ અમલમાં રહેશે. આ નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા છે. આ પગલાથી ઘણા ઉત્પાદનો સસ્તા થશે અને વ્યવસાયો માટે પાલન કરવાનું વધુ સરળ બનશે.નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી GST કાઉન્સિલની બે-દિવસીય બેઠકમાં કર માળખાને સુવ્યવસ્થિત કરવા માટેના ઘણા પ્રસ્તાવો પર ચર્ચા થઈ. આ બેઠકમાંથી બહાર આવ્યા બાદ બિહારના નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ મીડિયાને માહિતી આપી કે, હવે ભારતમાં માત્ર બે જ મુખ્ય GST સ્લેબ હશે: 5% અને 18%. આ નિર્ણયથી દેશના અર્થતંત્ર પર વ્યાપક અસર થવાની અપેક્ષા છે.
આ નવા માળખા હેઠળ, સામાન્ય લોકોના ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ₹2,500 સુધીના કપડાં અને જૂતા પરનો GST દર ઘટાડીને 5% કરી શકાય છે, જે ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. મની કંટ્રોલના અહેવાલ મુજબ, GST કાઉન્સિલે આરોગ્ય વીમા પ્રીમિયમ પરનો દર ઘટાડવાની પણ સંમતિ આપી છે, જેથી આરોગ્ય વીમો લેવાનું સસ્તું બનશે. આ સાથે જ, જીવનરક્ષક દવાઓ પરના GST દરમાં પણ ઘટાડો થવાની આશા છે.
આ બેઠકમાં માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ ઉદ્યોગો માટે પણ ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે.સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને સ્ટાર્ટઅપ્સ માટે GST નોંધણી પ્રક્રિયાને 30 દિવસથી ઘટાડીને માત્ર 3 દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત, નિકાસકારોને ઓટોમેટિક GST રિફંડ આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની વાત ચાલી રહી છે, ત્યારે એક ખાસ કેટેગરી પર ટેક્સ વધારવાની દરખાસ્ત પણ છે. મની કંટ્રોલના રિપોર્ટ મુજબ, ₹20 લાખથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પરનો GST દર 5% થી વધીને 18% થઈ શકે છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે, તો તે ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ માટે પડકાર ઊભો કરી શકે છે. GST કાઉન્સિલની આ બેઠક આજે 4 સપ્ટેમ્બરે સમાપ્ત થશે, ત્યારબાદ તમામ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ મટિરિયલને GSTમાં રાહત, હવે ઘર સસ્તા થશે!
સરકારે બાંધકામ ઉદ્યોગને લગતો એક મોટો નિર્ણય લઈને આ ક્ષેત્રને નવું જોમ આપ્યું છે. બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.
ગઈકાલે GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.
હાઉસિંગ સેક્ટરને ફાયદો
આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
શેરબજારમાં તેજી, રોકાણકારોએ 15 મિનિટમાં કરી 4લાખ કરોડની કમાણી
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર તા.3 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગે કરવામાં આવેલી જાહેરાતોને કારણે આજે ગુરુવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોમાં ભારે ઉછાળો આવ્યો. સવારે 9:20 વાગ્યા સુધીમાં S&P BSE સેન્સેક્સ 527.86 પોઈન્ટ વધીને 81,095.39 પર પહોંચ્યો, જ્યારે NSE નિફ્ટી 50 135.65 પોઈન્ટ વધીને 24,850.70 પર પહોંચ્યો હતો.
આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી 4,52,76,262 કરોડ રૂપિયા હતી. માત્ર એક જ દિવસમાં એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ તે વધીને 4,56,74,928 કરોડ રૂપિયા થઈ ગઇ હતી. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં લગભગ 3,98,666 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો. આ ઉછાળો બજારમાં વધતી તેજી અને રોકાણકારોના વિશ્વાસનો મોટો પુરાવો છે.
આ સુધારાઓ લોકોનું જીવન સુધારશે: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST કાઉન્સિલ દ્વારા કર માળખામાં કરાયેલા મોટા સુધારાઓની પ્રશંસા કરી છે. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલીમાં એક મોટો ફેરફાર આવ્યો છે, જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય હેતુ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો અને દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો છે. આ નિર્ણયને GST કાઉન્સિલની 56મી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.વડા પ્રધાને કહ્યું કે આ સુધારાઓ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવશે અને ખાસ કરીને ખેડૂતો, MSME અને મધ્યમ વર્ગને સીધો લાભ થશે.