પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે નીકળ્યા છે. તેઓ હાલમાં મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલ્વેની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા દેશમાં હોય કે વિદેશમાં, મને પૂર્વોત્તરની સુંદર સંસ્કૃતિના રાજદૂતની ભૂમિકા ભજવવાનો ખૂબ આનંદ થાય છે. પૂર્વોત્તરની સંભાવના દર્શાવતા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે… રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં, હું રોકાણકારોને પૂર્વોત્તરની સંભાવનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરું છું. આ સમિટ મોટા પાયે રોકાણ અને પ્રોજેક્ટ્સ માટે માર્ગ ખોલી રહી છે. જ્યારે હું સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવાની વાત કરું છું, ત્યારે તે પૂર્વોત્તરના કારીગરો અને ખેડૂતોને પણ ખૂબ ફાયદો પહોંચાડે છે. મિઝોરમના વાંસના ઉત્પાદનો, ઓર્ગેનિક આદુ, હળદર અને કેળા જાણીતા છે. અમે જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતાને વધારવા માટે સતત પગલાં લઈ રહ્યા છીએ. તાજેતરમાં, આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે ઘણા ઉત્પાદનો પર ઓછા કર, પરિવારો માટે જીવન સરળ બનાવશે…
ખરાબ હવામાનના કારણે એરપોર્ટ પરથી કર્યું ઉદ્ઘાટન
અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે, વડાપ્રધાન મોદી લેંગપુઇ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પહોંચી શક્યા ન હતા. આ કારણે તેમણે એરપોર્ટથી જ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. અને એરપોર્ટ પરથીજ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મિઝોરમમાં કહ્યું કે આ દેશ માટે, ખાસ કરીને મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. આજથી, આઈઝોલ ભારતના રેલ્વે નકશામાં ઉમેરવામાં આવ્યું છે. હું મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર છું. કમનસીબે, ખરાબ હવામાનને કારણે, હું તમારી વચ્ચે આઈઝોલ આવી શક્યો નહીં, પરંતુ આ માધ્યમથી પણ હું તમારો પ્રેમ અને સ્નેહ અનુભવી રહ્યો છું.
જીએસટી રિફોર્મથી ટેક્સનો ભાર ઘટ્યો
પીએમ મોદીએ રેલવે લાઇનનુ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું કે ભારત સૌથી તેજીથી વધતી ઇકોનોમી છે. જીએસટી રિફોર્મથી પર્યટકોને પ્રોત્સાહન મળશે. કોંગ્રેસના સમયે હેલ્થકેર પર ઘણો ટેક્સ હતો. કેન્સર જેવી બીમારીઓની દવા સસ્તી થઇ. ફરવુ અને હોટલમાં રહેવુ સસ્તુ થયું છે.