દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ
હતી. જેમાં ભારતની 7 વિકેટથી જીત થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને
પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા
અને ભારતને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટના
નુકસાન પર 131 રન બનાવીને પાકિસ્તાનને માત આપી છે.
આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે એક મેચ રમી હતી, જેમાં ભારતે જીત મેળવી છે.
ત્યારે, પાકિસ્તાનની ટીમે આ અગાઉની મેચમાં ઓમાનને હરાવ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાન સાથે
મેચ રમાવાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર
બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા
તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી
શકાય.