ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત માટે મુસ્લિમ દેશોના નેતાઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં તેઓ ગાઝાની વર્તમાન પરિસ્થિતિ તેમજ યુદ્ધવિરામ મુદ્દે ચર્ચા કરવાના છે. આ અંગે વ્હાઈટ હાઉસે જાણકારી આપી હતી.વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મીડિયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પ સાઉદી અરેબિયા, યુએઈ, ઈજિપ્ત, કતાર, જોર્ડન, તુર્કિયે, ઈન્ડોનેશિયા, અને પાકિસ્તાનના નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક કરશે. તેઓ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા તેમજ યુદ્ધ બાદ શાસન પદ્ધતિ વિશે ચર્ચા કરશે. વધુમાં યુદ્ધમાં બનાવેલા બંધકોને મુક્ત કરવા અને યુદ્ધનો અંત લાવવા પર ભાર મુકાશે.
આ બહુપક્ષીય બેઠકમાં ટ્રમ્પ ગાઝામાં હમાસની દખલગીરી વિના ઈઝરાયલને હથિયારો મૂકવા સહમત કરવા તેમજ યુદ્ધ ખતમ થયા બાદ શાસન મુદ્દે તૈયાર કરેલો યુએસ પ્લાન રજૂ કરશે. વોશિંગ્ટન ઈચ્છે છે કે, મુસ્લિમ દેશો ઈઝરાયલને યુદ્ધને વાવટા સંકેલી લેવા મજબૂર કરવા ગાઝામાં સૈન્ય દળ મોકલે, તેમજ ટ્રાન્ઝિશન અને યોજનાઓને પુનઃસ્થાપિત કરવા માટે ફંડ ફાળવે.પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપવા મુદ્દે યુનાઈટેડ નેશન્સમાં એકત્રિત થયેલા ડઝનથી વધુ વિશ્વ નેતાઓની બેઠક બાદ ટ્રમ્પ આજે મંગળવારે (23 સપ્ટેમ્બર) યુએન જનરલ એસેમ્બલીને સંબોધશે. છેલ્લા બે વર્ષથી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના સમાધાન માટે યુએન શાંતિ સ્થાપિત કરવા દબાણ કરી રહ્યું છે. તેઓ પેલેસ્ટાઈનને અલગ ઓળખ આપવા તૈયાર છે. પરંતુ ઈઝરાયલ માને છે કે, પેલેસ્ટાઈનને અલગ ઓળખ ઉગ્રવાદનું ઈનામ બનશે.