ભારત અને પાકિસ્તાન જ્યારે પણ સામસામે હોય ત્યારે ચર્ચા ક્યારેક અટકે નહિ. જ્યારે આ મુકાબલો એશિયા કપ ફાયનલનો હોય એટલે તે હેડલાઇનમાં રહે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત-પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ ફાઇનલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવીના હાથેથી એશિયા કપની ટ્રોફી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ મોહસિન નકવી ત્યાંથી ચાલ્યા ગયા અને ટ્રોફી પણ કોઈ લઈ ગયું હોવાનો આરોપ લાગ્યો હતો.
ભારતીય ટીમ મેનેજમેન્ટે પૂછ્યું હતું કે ટ્રોફી કોણ આપશે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં આંતરિક વાતચીત શરૂ થઈ ગઈ, કારણ કે તેમને ખબર હતી કે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી લેવાનું પસંદ કરશે નહીં. નકવી જ્યારે સ્ટેજ પર આવ્યા, ત્યારે પ્રેક્ષકોમાંથી ભારતીય પ્રશંસકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જેવા નકવી સ્ટેજ પર આવ્યા, તેમને કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી નહીં લે અને જો તેઓ જબરદસ્તી કરશે તો સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે. નકવી રાહ જોતા રહ્યા અને અચાનક આયોજકોમાંથી કોઈક વ્યક્તિ ટ્રોફીને ડ્રેસિંગ રૂમની અંદર લઈ ગયું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ મોહસિન નકવી પર આરોપ લગાવ્યો છે કે તે એશિયા કપની ટ્રોફીની સાથે સાથે ટીમ ઇન્ડિયાના મેડલ પણ લઈને ગયા છે. આ બાબતે BCCI આવતા મહિને યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં નકવી વિરુદ્ધ વિરોધ નોંધાવશે.
બીજી બાજુ પાકિસ્તાની ટીમ પણ મેચ પૂરી થયાના એક કલાક પછી પણ ડ્રેસિંગ રૂમમાંથી બહાર નહોતી આવી. પીસીબીના ચીફ નકવી એકલા ઊભા રહીને શરમજનક પરિસ્થિતિ સહન કરતા રહ્યા. ત્યારબાદ જ્યારે પાકિસ્તાની ટીમ બહાર આવી, ત્યારે ભારતીય ચાહકોએ “ઇન્ડિયા-ઇન્ડિયા”ના નારા લગાવ્યા હતા.મેચ પૂરી થયા પછી પણ ભારતીય ખેલાડીઓએ તેમની ઉજવણીમાં જરાય ઓછું આવવા નહોતું દીધું. હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માની નકલ કરીને મજેદાર અંદાજમાં ટ્રોફી તરફ વોક કર્યું હતું, જેના પર આખી ટીમ પેટ પકડીને હસ્યાં હતા. ખેલાડીઓએ મેદાનમાં ખૂબ નાચ્યા હતા અને જીતનો આનંદ માણ્યો હતો.
ચેમ્પિયન ટીમ માટે BCCI દ્વારા 21 કરોડનું ઇનામ
એશિયા કપ 2025માં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારતીય ટીમ માટે 21 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે જાહેરાત કરી છે.રવિવારે (28 સપ્ટેમ્બર) દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. 147 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે બે બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ અને અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા.
ટુર્નામેન્ટમાં ફક્ત એક બોલ રમીને છવાયો રિંકુ સિંહ
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો મળ્યો, પરંતુ તે બોલ જ ભારતની જીત પર મહોર લગાવી ગયો. રિંકુ સિંહે વિનિંગ શોટ રમ્યો હતો.
તિલકની શાનદાર બેટિંગના જોરે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન
તિલક વર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. T20 ફોર્મેટમાં આ તેમનો બીજો અને કુલ નવમો વિજય હતો. ભારતે પહેલા બોલિંગ કરતા પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી બે બોલ બાકી રહેતા 147 રનનું લક્ષ્યાંક હાંસલ કર્યો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 59 રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવીને પાંચમી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
“ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ.”,વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ,
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 ની ટાઇટલ મેચમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ટ્રોફી જીતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને આ રોમાંચક જીત પર અભિનંદન આપ્યા. પોતાના ‘X’ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા પીએમ મોદીએ કહ્યું, “ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ.” આ ફાઇનલ મેચમાં ભારતે જે રીતે પાકિસ્તાનને કચડી નાખ્યું છે તેનાથી બધા દેશવાસીઓ ગર્વથી ફૂલી ગયા છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઈલથી પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને હવે અમારા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર બેટ અને બોલથી તેમને હરાવ્યા છે.
હારેલા પાકિસ્તાની કેપ્ટને ઈનામનો ચેક સૌની સામે ફેંક્યો
એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, શું મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન સલમાન અલી આગાએ જે કર્યું તે યોગ્ય હતું? ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના હાથે કારમી હારનો સામનો કર્યા પછી જ્યારે સલમાન આગાને રનર-અપ ચેક આપવામાં આવ્યો ત્યારે તેણે તે બધાની સામે ફેંકી દીધો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સલમાન આગા બધાની સામે ચેક ફેંક્યા પછી હસતો પણ જોવા મળે છે.






