તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની એક રેલી દરમિયાન નાસભાગ મચી હતી. આ 2025ની સૌથી મોટી નાસભાગની ઘટના હતી. કારણે કે, આ નાસભાસમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહત્વની વાત એ છે કે, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ એક કાવતરૂ હતું. જેથી પાર્ટીએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરતી અરજી દાખલ કરી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હાઇ કોર્ટમાં આજે બપોર 2 વાગ્યા બાદ આ કેસમાં સુનાવણી કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. TVK પાર્ટીના વકીલે એવું કહ્યું છે કે, આ નાસભાગ ગુનાહિત ષડયંત્ર છે. જેથી હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે, આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે! TVK પાર્ટી પાસે ગુનાહિત ષડયંત્રના પુરાવા અને કેટલાક સીસીટીવી વીડિયો પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.તમિલગા વેત્રી કઝગમ TVK પાર્ટીનો આરોપ છે કે, ડીએમકેના નેતાઓ દ્વારા આ ગુનાહિત કાવતરૂ કરવામાં આવ્યું હતું.
અભિનેતા પોતાનો રાજકીય પાવર દેખાડવા માટે તારીખ 27મી સપ્ટેમ્બરે તમિલનાડુના કરૂર જિલ્લામાં મહારેલી યોજી હતી. આ રેલીમાં આશરે 50,000 થી પણ વધારે લોકો ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન કોઈ કારણોસર નાસભાગ થઈ હતી. નાસભાગ બાદ વિજય ચેન્નાઈ થવા માટે રવાના થઈ ગયો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે નાસભાગ બાદ વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. જો કે, ચેન્નાઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો કોઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. અત્યારે વિજયના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.