ભારત સરકારે સોમવારે ભારત-ભુતાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કુલ 4033 કરોડ રૂપિયાના
ખર્ચે બે મહત્ત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી
આપતા કહ્યું છે કે, બે પ્રોજેક્ટોથી બંને દેશો વચ્ચે સંપર્કની સાથે વ્યાપાર, પર્યટન અને લોકોની
અવરજવર પણ ઘણી સરળ બનશે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિકો
ટ્રેન દ્વારા સીધા ભુતાન જઈ શકશે.
પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ તો આસામના કોકરાઝારથી ભુતાનના ગાલેફૂ શહેર સુધી રેલવે લાઈન
બિછાવવામાં આવશે. આ 69 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર 3456 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં
આવશે.બીજા પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના બનરહાટને ભુતાનના સમત્સે શહેર સાથે જોડવામાં આવશે.
બંને શહેર વચ્ચે 20 કિલોમીટરની રેલવે લાઈન બિછાવવા માટે 577 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં
આવશે. અગાઉ આ ટ્રેન બંગાળના હાસીમારા આવતી હતી.
ભારત-ભૂટાનને જોડવા માટે કોકરાઝાર (આસામ)થી ગાલેફૂ (ભૂટાન) સુધીની નવી રેલ લાઈનનું કામ ટૂંક
સમયમાં શરૂ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 3456 કરોડ રૂપિયા થશે અને તેને પૂર્ણ થતાં ચાર
વર્ષ લાગશે. 69 કિલોમીટર લાંબો આ રૂટ ભૂટાનના સરપાંગ જિલ્લા અને ભારતમાં આસામના કોકરાઝાર
તથા ચિરાંગ જિલ્લામાંથી પસાર થશે. આ પ્રોજેક્ટમાં 6 સ્ટેશન, 29 મોટા પુલ, 65 નાના પુલ, 2
મહત્ત્વપૂર્ણ બ્રિજ, 2 લાંબા-ઊંચા પુલ, 39 રેલવે અંડરબ્રિજ, એક રેલવે ઓવર બ્રિજનો સમાવેશ થાય છે.