ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં
વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી
છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જીલ્લામાં સૌથી વધુ
નુકશાન થયું છે, સિક્કિમના મોટા ભાગના વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે, અત્યાર સુધી 20
લોકોના મોત નીપજ્યા (West Bengal and Sikkim Flood) છે. પશ્ચિમ બંગાળના
મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.
અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનામાં અત્યાર
સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે, હજુ પણ કેટલાક લોકો ગુમ છે. આ મૃત્યુઆંક વધવાની શકયતા
છે. દાર્જિલિંગ જિલ્લાના મિરિકમાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. મિરિક અને કુર્સિઓંગ શહેરોને
જોડતો ડુડિયા આયર્ન બ્રિજ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ
(NDRF), સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો બચાવ અને રાહત કામગીરી કરી
રહી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. વહીવટીતંત્રે
લોકોને પહાડી રસ્તાઓ અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે પશ્ચિમ
બંગાળના દાર્જિલિંગ, કાલિમપોંગ, કૂચ બિહાર, જલપાઈગુડી અને અલીપુરદ્વારમાં ભારે વરસાદનું રેડ
એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ ઝારખંડ, દક્ષિણ બિહાર અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની
આગાહી છે.પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂરથી પ્રભાવિત પરિવારોને શક્ય તમામ
સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને
પરિસ્થિતિનું આંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જાનમાલના નુકશાન
અંગે દુખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
બિહારમાં વરસાદે 10નો ભોગ લીધો
બિહારમાં મૂશળધાર વરસાદે રોહતાસ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. શનિવાર-રવિવારની એક જ
રાતમાં વરસાદે આખા જિલ્લાને જળમગ્ન કરી દીધો છે. રોહતાસ જિલ્લામાં શહેર હોય કે ગામ દરેક
જગ્યાએ પાણી જ પાણી છે. મૂશળધાર વરસાદના કારણે અનેક કાચા મકાનો તૂટી પડયા હતા. બિહારમાં
વૈશાલી, રોહતાસ, મુઝફ્ફરપુર, પશ્ચિમ ચંપારણ, ભોજપુર, જેહાનાબાદ, કિશનગંજ અને અરવાલ જેવા
વિસ્તારોમાં વરસાદ સંબંધિત ઘટનાઓ તથા વીજળી પડવાના કારણે 10 લોકોનાં મોત થયા હતા તથા
અન્ય 13ને ઈજા પહોંચી હતી. અધિકારીઓે કહ્યું કે ભોજપુરમાં મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખનું
વળતર અપાયું છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પણ મૂશળધાર વરસાદે સામાન્ય જનજીવન ખોરવી
નાંખ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુના 23 શહેરોમાં 9 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદની
આગાહી કરી છે. અરબસાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાએ તમિલનાડુના વાતાવરણ પર વિપરિત
અસર કરી છે.






