કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નેટવર્ક ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય થયું હોવાનો દાવો
કરાઈ રહ્યો છે. કેનેડામાં રવિવારે મોડી રાત્રે ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા ફાયરિંગની જવાબદારી
બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર સ્વીકારી લીધી છે. ગેંગે કરેલી પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ 2
નંબરના ધંધા એટલે કે ગેરકાયદેસર વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો પાસેથી વસૂલી કરે છે, મહેનતુ
લોકો પાસેથી નહીં.
બિશ્નોઈ ગેંગ તરફથી પોર્ટુગલમાં રહેતા ફતેહ પોર્ટુગલ નામના વ્યક્તિએ આ ઘટનાઓની જવાબદારી
લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એક શૂટર
અત્યાધુનિક હથિયારથી ફાયરિંગ કરતો દેખાય છે. આ વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો
છે.કેનેડિયન પોલીસે હાલમાં ઘટનાસ્થળોને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતી રિપોર્ટ્સ
મુજબ, ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી, પરંતુ પોલીસે આ ઘટનાને સંગઠિત
અપરાધ સાથે જોડાયેલું મોટું ષડયંત્ર ગણાવ્યું છે. થોડા દિવસો પહેલાં જ કેનેડાની સરકારે લૉરેન્સ
બિશ્નોઈ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ત્યારથી જ આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈને
પોતાની હાજરી બતાવવાનો પ્રયાસ કરી રહી છે.