અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપી રહી છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.
અફઘાન-તાલિબાનના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, “કાબુલ શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનનો કોઈ અહેવાલ મળ્યો નથી.” જોકે, ટીઆરટી વર્લ્ડ અનુસાર, મુત્તકીના ભારત પ્રવાસ વચ્ચે થયેલા આ ધમાકાઓ માત્ર એક સંયોગ નથી.
એક દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનને ખુલ્લી ધમકી આપેલી
કાબુલમાં હુમલાના માત્ર એક દિવસ પહેલા, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાની સંસદને સંબોધિત કરતા અફઘાનિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “બસ, હવે બહુ થયું, અમારું ધૈર્ય જવાબ આપી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની ધરતી પરથી થતો આતંકવાદ હવે અસહ્ય છે.” આસિફે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાન સરકારે પાકિસ્તાનમાંથી આવેલા ૬,૦૦૦ થી ૭,૦૦૦ ટીટીપી આતંકવાદીઓને સરહદ પરથી હટાવવા માટે ઈસ્લામાબાદ પાસેથી નાણાકીય સહાયની માંગણી કરી હતી, જેનો ઈન્કાર કરી દેવાયો હતો.