અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની
દુર્ઘટના બની છે, જેમાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. ફોર્ટ વર્થ ફાયર
ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે (સ્થાનિક સમય) આ દુર્ઘટના થઈ
હતી.
મળતી માહિતી મુજબ, ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સેગિનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં
પાર્ક કરેલા અઢાર-વ્હીલર (18-wheeler) ટ્રકો અને ટ્રેલરો પર પડ્યું હતું. આ અથડામણના કારણે
જોરદાર આગ લાગી ગઈ, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. આગની લપેટમાં
નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હોવાના અહેવાલ છે. ફોર્ટ વર્થ ફાયર વિભાગે જણાવ્યું
કે, ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણમાં
લેવામાં આવી હતી. જોકે, દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમની ઓળખ જાહેર
કરવામાં આવી નથી. સદભાગ્યે, ગ્રાઉન્ડ પર (જમીન પર) અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ
નથી. આ ઘટના અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી
બોર્ડને જાણ કરવામાં આવી છે, અને બંને એજન્સીઓ ક્રેશના કારણની તપાસ શરૂ કરશે.
કયુ વિમાન હતું? સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, ક્રેશ થયેલું વિમાન સિરસ એસઆર-22 હોવાનું
માનવામાં આવે છે. હાલમાં એ વાતની સત્તાવાર માહિતી મળી નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી
અને ક્યાં જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ડલાસ-ફોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક, ફોર્ટ વર્થ એલાયન્સ
એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટની વચ્ચે આવેલા ખાનગી હિક્સ એરફિલ્ડ પાસે બની હતી.