ચીનના રેયર અર્થ મિનરલ્સની નિકાસ પર રોક લગાવવાના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે થયા છે
અને તેમણે ચીની સામાન પર 100% ટેરિફની જાહેરાત કરી છે. જોકે, ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા
પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, વ્હાઇટ હાઉસ ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન પહોંચાડવા
નહીં. ટ્રમ્પની આ ટિપ્પણી બંને દેશો વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને પૂર્ણ વ્યાપાર યુદ્ધની આશંકા
વચ્ચે આવી છે.ચીને 12 પ્રકારના રેયર અર્થ મિનરલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા. આ રેયર અર્થ મિનરલ્સ ચીન અને અમેરિકા વચ્ચેના નવા ટ્રેડ
વોરનું કારણ બન્યા છે, જેના જવાબમાં ટ્રમ્પે ચીની સામાન પર 100% ટેરિફની જાહેરાત કરી દીધી છે.
આક્રમક નિવેદનબાજી કર્યા પછી, ટ્રમ્પે હવે સમાધાનનો સૂર અપનાવ્યો અને સોશિયલ મીડિયા પર
પોસ્ટ કર્યું છે કે, ‘ચીનની ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે! અત્યંત સન્માનનીય રાષ્ટ્રપતિ શી
જિનપિંગનો હાલમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. તેઓ પોતાના દેશ માટે મંદી નથી ઇચ્છતા અને હું પણ
નથી ઇચ્છતો. અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા માંગતો નથી.’
ટ્રમ્પની આ પોસ્ટના થોડા કલાકો પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ બીજિંગને ચેતવણી આપી હતી કે, તે
વિવેકપૂર્ણ રસ્તો પસંદ કરે. વર્તમાન વિવાદમાં અમેરિકાની સ્થિતિ વધુ પ્રભાવશાળી છે. આ સાથે જ
વેન્સે જણાવ્યું કે, ‘આ એક નાજુક સમયગાળો હશે, જે ઘણોખરો ચીનની પ્રતિક્રિયા પર નિર્ભર કરશે. જો
ચીન ખૂબ આક્રમક રીતે જવાબ આપશે, તો હું ખાતરી આપું છું કે અમેરિકન પ્રમુખ વધુ આક્રમક બનશે.
જો તેઓ સમજદારીથી કામ લેવા તૈયાર થશે, તો અમેરિકા પણ સમજદારી દાખવશે.’
અમેરિકા બેવડાં ધોરણો અપનાવી રહ્યું છે, ચીનનો આક્ષેપ
બીજિંગે વૉશિંગ્ટનના નવા ટેરિફ નિર્ણયને ‘બેવડાં ધોરણો’ ગણાવી તેની નિંદા કરી અને કહ્યું કે ચીન
વ્યાપાર યુદ્ધ નથી ઇચ્છતું, પણ તેનાથી ડરતું પણ નથી. ચીનના વાણિજ્ય મંત્રાલયે રેયર અર્થ મિનરલ્સ
પરના પ્રતિબંધોનો બચાવ વૈશ્વિક શાંતિની રક્ષા તરીકે કર્યો. મંત્રાલયે અમેરિકા પર રાષ્ટ્રીય સુરક્ષાની
અવધારણાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ચીને ચેતવણી આપી કે ટેરિફની ધમકીઓથી સંબંધો
બગડશે અને અમેરિકાને પોતાની ભૂલો સુધારી, આપસી સન્માનના આધારે મતભેદો ઉકેલવા વિનંતી
કરી. ચીને સ્પષ્ટ કર્યું કે જો અમેરિકા ખોટા રસ્તે ચાલશે, તો તે પોતાના કાયદેસરના હિતોની રક્ષા માટે
નિર્ણાયક પગલાં લેશે.