યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલા યુદ્ધ વિરામ કરાર પર ઇઝરાયલ અને હમાસ બંને સહમત થયા
છે, ઈઝરાયેલે ગાઝામાં નરસંહાર હાલ પુરતો રોક્યો છે. આજે હમાસ ઇઝરાયલી બંધકોને છોડશે, સામે
પક્ષે ઇઝરાયલ પણ પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે.ત્યાર બાદ હમાસ અને ઇઝરાયલના નેતાઓ
ઈજીપ્તમાં શાંતિ કરાર કરવાના છે, જેમાં 20 દેશના નેતાઓ હાજરી આપવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય
પૂર્વ માટે રવાના થઇ ગયા છે, વિમાનમાં ચડતા પહેલા તેમણે કહ્યું કે ગાઝામાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.
યુએસથી રવાના થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા ઇઝરાયલ પહોંચશે. તેઓ ઇઝરાયલની સંસદને સંબોધશે,
ત્યારબાદ તેઓ ઇજિપ્ત માટે રવાના થશે. ટ્રમ્પ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે
ગાઝા શાંતિ સમિટનું યજમાની કરશે.વિમાનમાં ચડતા પહેલા મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું
“યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. તમે સમજી શકો છો? આ યાત્રા ખાસ રહેશે છે. દરેક વ્યક્તિ આ ક્ષણની રાહ
જોઈ રહ્યું છે.”પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે શું તેમને લાગે છે કે ગાઝામાં યુદ્ધવિરામ ચાલુ રહેશે?
ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે યુદ્ધવિરામ ચાલુ રહેશે મને લાગે છે કે લોકો થાકી ગયા છે.”
ટ્રમ્પે એમ કહ્યું કે હમાસ જ્યારે 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, ત્યારે તેઓ ઇઝરાયલમાં હશે કે નહીં
એ નક્કી નથી. તેમણે કહ્યું, “તેમની પાસે બંધકો છે, કદાચ 20 જેટલા. અમે તેમને થોડા વહેલા બહાર
કાઢી શકીએ છીએ. તેઓ એવી જગ્યાએ હતા જેના વિશે તમને જણાવી ન શકીએ.”ટ્રમ્પની સાથે
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ડિફેન્સ મીનીસ્ટર પીટ હેગસેથ, સીઆઈએના વડા જોન
રેટક્લિફ અને અમેરિકાના ટોચના લશ્કરી અધિકારી ડેન કેઈન પણ મધ્ય પૂર્વના પ્રવાસે ગયા છે. ગાઝા
શાંતિ કરારના પ્રથમ તબક્કા દરમિયાન, હમાસ તમામ ઇઝરાયલી બંધકોને છોડશે, ત્યારબાદ, ઇઝરાયલ
તેની જેલમાં કેદ લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, આ સાથે ગાઝા પટ્ટીમાં
માનવતાવાદી સહાયને મંજૂરી આપવામાં આવશે.