વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત પહોંચ્યા છે. નર્મદા જિલ્લામાં એકતા નગરની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસને અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા વારસામાં મળી છે. સરદાર પટેલ કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતાં. પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમ થવા દીધુ નહીં. કોંગ્રેસના લીધે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું.
PM મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે કાશ્મીરમાં જે ભૂલ કરી, તેની આગ દાયકા સુધી ભભૂકી રહી છે. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો, પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને હવા આપી, કાશ્મીર અને દેશને તેની મોટી કિંમત ચૂકવવી પડી પરંતુ કોંગ્રેસ હંમેશા આતંકવાદની આગળ નતમસ્તક રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોના કારણે જોખમનો સામનો કરી રહી છે. દાયકાઓથી વિદેશી ઘુસણખોરો આપણા દેશમાં ઘૂસી રહ્યા છે અને સંસાધનોનો વ્યય કરી રહ્યા છે. જેના લીધે જનવસ્તીનું સંતુલન ખોરવાયુ છે. દુર્ભાગ્યવશ પાછલી સરકારોએ આ ગંભીર સમસ્યાને અવગણતાં આંખ આડા કાન કર્યા છે. તેઓ વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકે છે. પ્રથમ વખત દેશે આ પડકારનો સીધો સામનો કર્યો અને અખંડિતતાની રક્ષા માટે દ્રઢ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે.
મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા. આ સાથે મોદીએ એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.છે. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા છે, જે “વિવિધતામાં એકતા” થીમને પ્રતિબિંબિત કરે છે.
 
			

 
                                 
                                



