પૂર્વ  વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ઓપરેશન સિંદૂરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન-પાકિસ્તાન વચ્ચેની રણનીતિક ભાગીદારીનો સંકેત મળ્યો હતો. પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી ગઇ છે. આથી તે એક સદાબહાર ગઠબંધન બની ગયું છે જેનો ઉદેશ્ય ભારતના વિકાસને રોકવાનો છે. તેમણે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર દ્વારા આયોજિત આ સંવાદ ભારતની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર વાત કરી હતી. ચીનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગૌતમ બંબાવાલેએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે ભારતની વિદેશ નીતિ યથાર્થવાદ અને આદર્શવાદ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. આ નીતિ વિકાસલક્ષી જરૂરિયાતો, વ્યૂહાત્મક સ્વતંત્રતા અને સમાવેશી દૃષ્ટિકોણને એકસાથે લઈને ચાલે છે. પુણે ઇન્ટરનેશનલ સેન્ટર (PIC) દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ કાર્યક્રમમાં અનેક મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો, આધુનિક યુદ્ધની બદલાતી પ્રકૃતિ, સંરક્ષણ અને રાજદ્વારી નીતિમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા તથા ડ્રોન અને સાયબર ઉપકરણોનો ઉપયોગ સામેલ હતો. કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન દ્વારા ચીની હથિયારોના ઉપયોગ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આના જવાબમાં શ્રૃંગલાએ આ સંઘર્ષને ચીન અને પાકિસ્તાન વચ્ચેની ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીનો સંકેત ગણાવ્યો હતો.
			

                                
                                



